ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા દ્વારા બાબાસાહેબની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય ઓનલાઈન કવિ સંમેલન યોજાયું: દેશભરના કવિઓ જોડાયા
ખંભોળજ:
ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિના પાવન અવસરે ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા દ્વારા ૧૪ એપ્રિલ ૨૦૨૬ના રોજ એક વિશેષ ‘ફટાફટ ઓનલાઈન કવિ સંમેલન’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી મુખ્ય મહેમાન તરીકે કે. વી. શર્મા ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે ઉત્તરપ્રદેશના ગીતા પાંડે અપરાજિતાએ સરસ્વતી વંદના પ્રસ્તુત કરી હતી. ડૉ. શૈલેષ વાણીયા ‘શૈલે’એ મહેમાનોનું સ્વાગત કર્યું હતું અને રાષ્ટ્રીય સચિવ પ્રીતિ પરમાર ‘પ્રીત’ના સંચાલન હેઠળ વોટ્સએપ ફોરમ પર આ કાર્યક્રમ ખીલી ઉઠ્યો હતો. આ ઓનલાઈન સંમેલનમાં ગુજરાત સહિત કર્ણાટક, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને દિલ્હી જેવા અનેક રાજ્યોના ૪૦ જેટલા કવિઓએ પોતાની કૃતિઓ રજૂ કરી હતી, જેને ગ્રુપના ૬૨૭ સભ્યોએ નિહાળી હતી. સંસ્થાના પ્રમુખ દ્વારા સહભાગી કવિઓને ડિજિટલ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે અમદાવાદના કવિ મુસ્કાન (જમાભાઈ વી. સોલંકી) એ આભારવિધિ કરી હતી અને ફોરમ આર. મહેતા દ્વારા રાષ્ટ્રગીતની રજૂઆત બાદ ‘ભારત માતા કી જય’ના નાદ સાથે સંમેલન સંપન્ન થયું હતું.







