*ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચિત્ર સ્પષ્ટ*
_તલોદમાં ૫૭ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે.ચૂંટણી પ્રચાર થયો વેગવાન_
(ગુજરાત ગાથા )
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે આજે ઉમેદવારી પરત ખેચવાના છેલ્લા દિવસે નોધાયેલ ઉમેદવારી પત્રો પૈકી એક ઉમેદવારી પત્ર પરત ખેંચાતા હવે તલોદ તાલુકા પંચાયતની ૨૦ બેઠકો ઉપર ૫૭ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે.જ્યારે જિલ્લા પંચાયતની ચાર બેઠકો ઉપર ૧૨ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે.જેને લઈને તાલુકા પંથકમાં રાજકીય માહોલ ગરમાવો પકડી રહ્યો છે.તલોદ તાલુકા પંચાયતની ૨૦ અને જિ.પં. ચાર બેઠકો ઉપર ચૂંટણી ચિત્ર આજે સ્પષ્ટ થઈ જતાં તમામ ઉમેદવારો પોત પોતાના વિસ્તારમાં મતદારોને રિઝવવા માટે કાર્યકરો,સમર્થકો સાથે ડોર ટુ ડોર પ્રચાર હાથ ધરતા ઉનાળાની ગરમીની મોસમમાં સુમસામ ભાસતા,શેરી,મહોલ્લા,સોસાયટીઓ રાજકીય આગેવાનો,કાર્યકરો,સમર્થકોના કલરવથી ગુંજી ઉઠી છે.સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે સ્થાનિક ચૂંટણી અધિકારી શિલ્પાબેન જાષી,આદિત્યભાઈ મોદી,અને જિ.પુ.અધિકારી મૌલિકભાઈ દાંગાની નિગરાની હેઠળ યોજાઈ રહી છે.ઉલ્લેખનીય છે કે તાલુકાના અંદાજે ૧૪૫ જેટલા મતદાન મથકો ઉપર યોજાનાર ચૂંટણી પ્રક્રીયાને લઈને તંત્ર પણ સજ્જ બન્યું છે.આજ રોજ થયેલ ચૂંટણી ચિત્રમાં સૌથી વધુ ઉમેદવારો જોરાજીના મુવાડા,અને આંત્રોલીવાસ દોલજી બેઠકો ઉપર અપક્ષો પણ ઉમેદવારી નોધાવતા ચાર ચાર ઉમેદવારો ઝંપલાવ્યું છે.ખાસ વાત કરીએ તો સૌથી વધુ તલોદ તાલુકાની મહિયલ અને મોટા ચેખલા બેઠક ઉપર સૌની નજર ટેકવાઈ છે.કારણ કે આ બે બેઠકો ઉપર મહિયલ બેઠક ઉપર થી ગુજરાતસિંહ ઝાલા અને મોટા ચેખલા બેઠક ઉપરથી એડવોકેટ બી.ડી.ઝાલાએ ઉમેદવારી નોધાવી હોઈ આ બે બેઠકો કોના ફાળે જાય છે તેના ઉપર સૌની નજર ટેકવાઈ છે..







